ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ બ્લોગર જિજ્ઞેશ અધ્યારુ સાથે એક ઇ-પ્રશ્નોત્તરી .
અક્ષરનાદ , ગુજરાતી માં વાંચન માં રુચિ રાખનાર દરેક માણસ એક વાર તો આ બ્લોગ પર પગલાં પડ્યા જ હશે. જિજ્ઞેશ અધ્યારુ સર વર્ષો થી આપણાં માટે કઈક નવું લખતા રહ્યા છે તે માટે તેમનો જેટલો આભાર માનીએ ઓછો છે. એક ગુજરાતી બ્લોગ હોવા છતાં આંતરરાષ્ટ્રીય સ્તર પર આટલી ખ્યાતિ ,
ગુજરાતી ભાષા માટે ગર્વ ની વાત છે . આટલા વર્ષો સુધી કોઈ એક કામ ફળ ની આશા વગર જ કરવું એ એક મોટી તપસ્યા કહેવાય , આટલા વર્ષો માં તેમને થયેલા જુદાજુદા અનુભવ અને તેમના વિચારો વિશે વાંચીએ .
ગુજરાતીમાં બ્લોગ ની શરૂઆત કરનાર દરેક માણસ બ્લોગ ચાલુ કરતાં પહેલા એકવાર
તમારા બ્લોગ પર જરૂર આવ્યો હશે. ગુજરાતી માં બ્લોગર તરીકે ખૂબ લાંબી અને મોટી યાત્રા કરી છે તમે તો બ્લોગિંગ સાથે ક્યારે અને કેવી રીતે જોડાયા તે જણાવશો ?
જિજ્ઞેશ અધ્યારુ : લખવાની શરૂઆત તો શાળા દરમ્યાન જ થઈ હતી, એક ફુલસ્કેપ નોટમાં સતત આસપાસની ઘટનાઓ, લોકો અને પરિસ્થિતિ વિશે લખતો. મકાન બદલાયું એમાં એ નોટ ખોવાઈ ગઈ, પછી દસમા અને બારમા ધોરણ દરમ્યાન, એન્જિનિઅરિંગ દરમ્યાન લખવાનું સાવ છૂટી ગયું. ૨૦૦૧માં દિલ્હી નોકરી કરવા ગયો ત્યારે નિ:શુલ્ક ઇન્ટરનેટ મળ્યું અને યાહુ જીઓસિટીઝ પર પેજ બનાવી ગુજરાતી કવિતાઓ, નિબંધો વગેરે લખી સ્કેન કરી મૂકવાનું શરૂ કર્યું. એમ કરતાં બસ્સોથી વધુ પેજ બનાવેલા પણ ફરી માસ્ટર્સમાં એડમિશન લીધું અને એ પ્રયોગ પડી ભાંગ્યો. ૨૦૦૬માં પીપાવાવ આવ્યો અને સાંજે કામ પછી અથવા શનિ રવિમાં ઘણો સમય મળતો, ૨૦૦૬માં વર્ડપ્રેસ શરૂ થયું અને અખતરા રૂપે ૨૦૦૭માં વર્ડપ્રેસ પર મારો પહેલો બ્લોગ શરૂ કર્યો. પછી લેખોની અને પ્રતિભાવોની સંખ્યા વધતાં અને સુવિધાઓ વધારવાની ઈચ્છાના ભાગ રૂપે સેલ્ફ હોસ્ટેડ બ્લોગ અક્ષરનાદ.કોમ તરીકે સતત ચાલતો થયો અને એ વળગણ કાયમ રાખ્યું છે. મૃગેશભાઈએ ૨૦૦૫માં મારી કવિતાઓ રીડગુજરાતી પર મૂકી, પીપાવાવ પાસે દરિયામાં આવેલા શિયાળબેટ અને સવાઈબેટ વિશેનો મારો લેખ નવનીત સમર્પણમાં છપાયો, ત્યારે ખરેખર ખૂબ મજા આવી ગઈ. પીપાવાવના ચેરમેન નિખિલભાઈ ગાંધી પાસે એ અંક ઓડિટર પ્રિય સ્નેહલભાઈ મઝુમદારે પહોંચાડ્યો અને મેનેજમેન્ટે વધાવ્યો ત્યારે ખૂબ આનંદ થયેલો. મદુરાઈના કૃષ્ણન, જે રસ્તે ભટકતાં અસહાય માનસિક અસ્થિર દર્દીઓને જાળવવા - ખવડાવવા ખૂબ અસરકારક પ્રયત્ન કરી રહ્યાં હતા તેમના આર્થિક પડકારો વિશે ફોનથી માહિતી લઈ અખંડ આનંદમાં અને અક્ષરનાદ પર લખ્યું અને એને સારી એવી મદદ મળી રહી એ પણ અલભ્ય આનંદ હતો, સતત જે શીખતો રહ્યો અને અક્ષરનાદ વિકસાવતો રહ્યો એ બ્લોગિંગ વિશે સાયબર સફરમાં લખ્યું. નડીયાદથી પ્રસિદ્ધ થતા ક્વોલિટી સક્સેસમાં ઇન્ટરનેટના વિવિધ પાસા વિશે કૉલમ લખી. એ સિવાય વિવિધ વિષયો પર અક્ષરનાદમાં સતત લખ્યું. આમ અક્ષરનાદ પર સંપાદનનો અને વિવિધ સામયિકોએ લેખનનો અનુભવ સતત મળ્યો છે. સમયની સાથે એ અનુભવે મને વાક્યરચના, જોડણી અને લેખન વિશે સમગ્રતયા ઘણું શીખવ્યું છે.
તમે જ્યારે બ્લોગિંગ શરૂ કર્યું ત્યારે અને હાલ ના
બ્લૉગ્સ માં શું અંતર જણાય છે ?
જિજ્ઞેશ અધ્યારુ : ખૂબ ફરક છે, દરેક ક્ષેત્રની જેમ બ્લોગિંગમાં પણ અનેક સુધારા થયા છે. મેં શરૂ કર્યું ત્યારે સૌથી વધુ ફોન્ટની સમસ્યા હતી. ગુજરાતી વર્તમાનપત્રોના પોતપોતાના ફોન્ટ હતાં, એ જો ઇન્સ્ટૉલ ન કરેલા હોય તો એ વેબસાઇટ સ્પામ જેવી દેખાતી. સાર્વત્રિક સ્વીકૃત એક ફોન્ટ ન હોવાથી બ્લોગિંગમાં પણ તકલીફો હતી. મેં અને મૃગેશભાઈએ પહેલેથી યુનિકોડ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. બીજું કે ૨૦૦૫ થી પાંચ વર્ષ સુધી બ્લોગિંગનો સુવર્ણયુગ હતો. ગુજરાતીમાં ૧૦૦૦થી વધુ બ્લોગ હતાં, અને એ સતત ધમધમતાં હતાં. પ્રતિભાવો થતાં અને ઇ-મેલમાં લિન્ક મોકલાતી. ફેસબુક અને અન્ય સોશિઅલ મિડીયા વેબસાઇટ્સને લીધે બ્લોગિંગનું મહત્વ ઘટ્યું. પણ બ્લોગમાં કોઈ આર્ટિકલ શોધવો, એના પરના પ્રતિભાવો જાળવવા એ ફેસબુક વગેરે કરતાં બ્લોગ પર અલગ જ મજા આપે છે. વળી ફેસબુકને લીધે હવે બ્લોગ આવકનું સાધન પણ બન્યો છે. ફેસબુક ઇન્સ્ટન્ટ આર્ટિકલ બ્લોગ લિંક વહેંચવાને પ્રોત્સાહન આપે છે અને એ આવકનું સાધન બ્લોગિંગની શરૂઆતમાં નહોતું.
બ્લોગિંગ સિવાય તમે બીજું શું કરો છો ?
જિજ્ઞેશ અધ્યારુ : વ્યવસાયે હું મરીન પ્રોજેક્ટ મેનેજર છું અને દરિયામાં બાંધકામને લગતા પ્રોજેક્ટ્સમાં કામ કરું છું. બ્લોગિંગ અને લેખન એ મારે માટે કામ સિવાયના સમયના સાર્થક ઉપયોગ માટેની પ્રવૃત્તિ છે.
તમે તમારા બ્લોગ પર બીજા લેખકો ને પણ સ્થાન આપો છો , આ વિચાર ક્યાં થી આવ્યો ?
જિજ્ઞેશ અધ્યારુ : અક્ષરનાદ પર લગભગ રોજ ૫૦૦૦ વાચકો આવે છે, એક દિવસમાં ૧૦૦૦૦થી વધુ વાચકો હોય એવો પણ રેકોર્ડ છે. અને આ ક્લિક્સની વાત નથી, યુનિક વિઝિટરની વાત છે. અનેક મિત્રોએ પોતાના બ્લોગ શરૂ કર્યા પણ વાચકવર્ગ વિકસે એટલી ધીરજ નહોતી, એટલે એમણે લેખ મને મોકલ્યા અને અક્ષરનાદ પર એને મૂકવા વિનંતિ કરી. સરવાળે એમને વાચકો મળ્યા અને અક્ષરનાદને વિઝિટર્સ, એ જ રીતે ઘણાં નવા લેખકમિત્રોને જે બ્લોગિંગ કરતા નહોતા, એમણે પણ વિવિધ ગુજરાતી સામયિકોમાં પ્રસિદ્ધ થયેલી પોતપોતાની રચનાઓ અક્ષરનાદને પાઠવી અને પ્રસિદ્ધ કરવા વિનંતિ કરી. આમ અક્ષરનાદ અનેકવિધ સર્જકોથી રળિયાત થયું.
ગુજરાતી બ્લૉગ્સ માં એસ.ઇ.ઓ નું સ્થાન જણાવશો ?
જિજ્ઞેશ અધ્યારુ : સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશનમાં ગુજરાતી બ્લોગ્સ હજુ પણ તદ્દન નવજાત અવસ્થામાં છે અથવા તો કહો કે ધરાર એ જરૂરિયાતને અવગણે છે. સર્ચ પરિણામોમાં વેબસાઇટને ઉપર આવવામાં આ ઓપ્ટિમાઇઝેશન ખૂબ ઉપયોગી છે. તમારો લેખ જે વિષયને અનુરૂપ છે એને લાગતા વળગતા શબ્દો કોઈ સર્ચ કરે તો તમારો લેખ સર્ચમાં કયા સ્થાને આવે એ બતાવી આપશે કે તમે કેટલું ધ્યાનથી બ્લોગિંગ કરો છો. લેખનો સંક્ષિપ્ત પરિચય, શીર્ષક, વિભાગ અને એના ટેગ, લેખને લગતાં કી-વર્ડ અથવા અગત્યના શબ્દો, લેખની ગુણવત્તા અને ઉપયોગીતા જેવા અનેક મુદ્દા એસ.ઇ.ઓ ને સાંકળે છે પણ મોટાભાગના ગુજરાતી બ્લોગ્સ તેને ગંભીરતાથી લેતા નથી.
વાચકો તરફ થી આવતા પ્રતિસાદ માં કોઈ એવો ભાવનાત્મક
પ્રતિસાદ પણ આવ્યો હશે ,જે વાંચી ને નવાઈ લાગી હોય , એવો
કોઈ પ્રસંગ હોય તો જણાવો ?
જિજ્ઞેશ અધ્યારુ : અનેક પ્રસંગો છે જેણે અક્ષરનાદને ફક્ત સાહિત્યિક નહીં પણ લાગણીસભર યાત્રા બનાવી છે. સતત મળતાં વડીલ સાહિત્યકારોના પ્રોત્સાહન અથવા બાપુએ અક્ષરપર્વ વખતે અને બીજા બે-એક પ્રસંગોએ કરેલ ફોન અથવા ધ્રુવભાઈ ભટ્ટના પ્રતિભાવો, ઉત્તમભાઈના પ્રોત્સાહક ઇ-મેલ, અક્ષરનાદને અનેક લાગણીસભર ક્ષણો મળી છે, પણ સૌથી વિશેષ હતી ૨૦૧૩નો યુનાઇટેડ નેશન્સ એફ.પી.એ અને પોપ્યુલેશન ફર્સ્ટ તરફથી અક્ષરનાદને મળેલો લાડલી મિડીયા પુરસ્કાર.
એવું પણ થયું છે કે યુ.કે થી કે રશિયાથી કોઈ ગુજરાતીએ ફોન કરીને કહ્યું હોય કે તમારી વેબસાઇટ ખૂબ ગમી અને અમારે ડોનેશન આપવું છે, ઘણીવાર કોઈ મેસેજ વગર ફક્ત કવરમાં પાંચસો ડૉલરના ચેક પણ વાચકોએ મોકલ્યા છે. સાઇબિરીયાથી અને ઘાનાથી પણ વાચકોએ ફોન કરી અમુક લેખ મૂકવાની સ્નેહાળ માંગ કરી છે. આ બધા પ્રસંગો અનેરો સંતોષ આપે છે. વાચકમિત્રો સાથે ભાવનાને તાંતણે જોડાઈ રહેવાનો આનંદ અદ્વિતિય છે.
બ્લોગ ને અહિયાં સુધી પોહચાડવા માં કઈ કઈ મુશ્કેલીઓ
આવી ?
જિજ્ઞેશ અધ્યારુ : અઢળક મુશ્કેલીઓ આવી છે, આવતી રહી છે. વેબસાઇટ અચાનક ગાયબ થઈ જાય, હેક થઈ જાય એ તો જાણે કે સામાન્ય વાત છે, એને ફરી રિસ્ટોર કરવી પણ એક કસરત છે. તો ક્યારેક અજાણતાં મારાથી પણ પ્રોગ્રામિંગમાં ભૂલ થાય અને આખી વેબસાઇટ ડાઉન થઈ હોય એવું થયું છે. ક્યારેક લેખ મૂકવાનો સમય દિવસો સુધી ન મળે અને વાચકોની સ્નેહાળ ઉઘરાણીઓ આવતી હોય એવું પણ પરિવારિક પ્રસંગો દરમ્યાન બન્યું છે. નોકરીની સાથે ઘણી વાર તણાવભર્યા સંજોગોમાં લખવાનો મૂડ ન હોય ત્યારે પણ વેબસાઈટ ચાલુ રાખવાનો પ્રયત્ન કર્યો છે. કોપિરાઈટને લગતા પણ એકાદ બે પ્રસંગો બન્યા છે પણ અક્ષરનાદના હેતુને જોતાં તેમણે પણ પછી અનપેક્ષિત સહયોગ આપ્યો છે. વાચકોની સંખ્યા જાળવી રાખવી અને એને સતત વધારવાના પ્રયત્ન કરવા, વેબસાઇટ સતત દોડતી રાખવા જરૂરત મુજબ બદલાવ કરતાં રહેવા એ પણ વિગતે આયોજન, નાણાંકિય રીતે ખર્ચાળ અને સમય માંગી લેતું કામ છે. પણ અંતે અક્ષરનાદના વાચકોનો પ્રતિભાવ, સ્નેહ અને પ્રોત્સાહન આ બધી તકલીફો છતાં કદી નિરાશ થવા દેતો નથી.
તમને ગમતા ગુજરાતી બ્લોગર્સ કોણ કોણ છે ?
જિજ્ઞેશ અધ્યારુ : મને મૃગેશભાઈનું બ્લોગિંગ લેવલ ખૂબ આદર્શ લાગતું રહ્યું છે. સુરેશભાઈ જાની, પી. કે. દાવડા, કાર્તિક મિસ્ત્રી, હીના પારેખ, માવજીભાઈ, જયશ્રીબેન.. અઢળક નામ છે જેમના બ્લોગ્સ મારે માટે પ્રેરણાસ્ત્રોત રહ્યાં છે...
ગુજરાતી બ્લોગિંગ એક કારકિર્દી તરીકે જોઈ શકાય ?
જિજ્ઞેશ અધ્યારુ : બિલકુલ, ગુજરાતી બ્લોગિંગ એક ગંભીર કારકિર્દી વિકલ્પ તરીકે જોઈ શકાય અને એમાં પ્રયત્ન કરનાર અવશ્ય સફળ થઈ જ શકે. જો મારા જેવો એક પાર્ટ ટાઈમ બ્લોગ ચલાવતો અસાહિત્યિક માણસ પણ નામ અને દામ કમાઈ શક્તો હોય તો પૂર્ણ સમય માટે આ કામ કરનાર કોઈ પણ સફળ થઈ જ શકે એમાં કોઈ શંકા નથી.
ગુજરાતી ભાષા નો સૌથી પ્રચલિત બ્લોગ ચલાવો છો , તો તમને સૌથી વધુ
પુછવામાં આવતો સવાલ ? અને તેનો જવાબ ?
જિજ્ઞેશ અધ્યારુ : મને સૌથી વધુ પૂછાય છે કે તમે બ્લોગથી કેટલા પૈસા કમાવ છો. ૨૦૧૯ સુધી મેં અક્ષરનાદ પાછળ અને રીડગુજરાતી પાછળ અઢળક ખર્ચ કર્યો છે. વાચકમિત્રો તરફથી ક્યારેક ડોનેશન મળતા પણ એ સિવાય મેં કદી ગંભીરતાપૂર્વક એડવર્ટાઇઝ મૂકવાનું વિચાર્યું નહોતું, પણ ૨૦૨૦થી જ્યારથી ખર્ચ ખૂબ વધી ગયો અને અક્ષરનાદ પોતે સ્વતંત્ર રીતે ચાલી શકે એટલું નહીં તો પણ થોડું કમાઈ શકે તો શું વાંધો એમ વિચારીને એડ મૂકવાનું શરૂ કરેલું, પણ મહીને લગભગ મહત્તમ રૂ. ૨૦૦૦/-થી વધુ આંકડો પહોંચ્યો નથી. ક્યાંક એમાં મારી અણઆવડત પણ ખરી અને એડ મૂકવાની અનિચ્છા પણ ખરી.
તમારા બ્લોગ પર આવક કયાર થી ચાલુ થઈ ?
જિજ્ઞેશ અધ્યારુ : ડોનેશન
તો લગભગ ૨૦૦૯થી આવતું થયેલું, પણ એડ મૂકવાનું
મેં ૨૦૨૦થી શરૂ કર્યું.
બ્લોગિંગ નું ભવિષ્ય શું લાગે છે ?
જિજ્ઞેશ અધ્યારુ : બ્લોગિંગ કદી બંધ થવાનું નથી. ફેસબુકમાં લાખો પોસ્ટની ભીડમાં ખોવાઈ ગયેલા આર્ટિકલ કરતાં બ્લોગ પરના સદાબહાર ઉપલબ્ધ લેખ વાંચવા મને વધુ ગમે છે. બ્લોગ જો વિષય વિશેષને સ્પર્શતા હોય અને એમાં જ ઉંડા ઉતરતા હોય તો એમને કદી વાચકોની કે ક્લિક્સની સમસ્યા નડવાની નથી. અને ગંભીરતાથી બ્લોગિંગ કરતા બ્લોગર માટે ભવિષ્ય ઉજ્જવળ જ છે. મને એમાં કોઈ શંકા નથી.
તમે બ્લોગિંગ સિવાય બે પુસ્તક પણ લખ્યા છે, તેના વીશે જણાવશો ?
જિજ્ઞેશ અધ્યારુ : અક્ષરનાદને લીધે માઇક્રોફિક્શન પ્રકાર તરફ આકર્ષણ થયું, એની અક્ષરનાદ પરની સ્પર્ધાઓને લીધે સર્જન ગૃપ બન્યું અને ૨૦૧૬થી સતત ચાલતા આ ગૃપને લીધે માઇક્રોસર્જન ૧ અને ૨ એમ બે પુસ્તકો સ્વપ્રકાશિત કર્યા. ત્યાર પછી માઇક્રોફિક્શનની વધતી પ્રસિદ્ધિએ અમને માઇક્રોફિક્શન શૉટ્સ અપાવ્યું જેનું મેં સર્જન ટીમ સાથે મળીને સંપાદન કર્યું છે.
લોકડાઉનમાં અચાનક સાવ નવરા થઈ ગયાં, ઘરમાં પૂરાઈ ગયા, અમારા પ્રોજેક્ટમાં ફીલ્ડ પર કામ બંધ થયું એટલે નાનામોટા રિવ્યૂ અને ઓનલાઇન ટ્રેનિંગ સિવાય વધારે બોજ હતો નહીં. એવામાં રામાયણ અને મહાભારતનું પ્રસારણ શરૂ થયું. આ શ્રેણીઓ જોતાં મારા બાળકોને પ્રશ્નો થયાં અને શરૂઆતમાં એમના પ્રશ્નોનો જવાબ આપ્યો એ ફેસબુક પર મૂક્યો. પછી એવા જ થોડાં પ્રશ્નો મને પણ થયાં, ધારાવાહિક જોઈને અને વિચારીને જે સૂઝ્યું એ લખવાનું શરૂ કર્યું, એમાં મિત્રોના પ્રશ્નો અને વિચારો ઉમેરાયા, ઘટનાઓનો તર્ક અને ગૂઢાર્થ શોધવાની મજા આવવા લાગી કારણ કે એ બહાને આ ગ્રંથો ફરી વાંચવા મળ્યા અને એમ વિવિધ ઘટનાઓ વિશે, પાત્રો વિશે અને માન્યતાઓ પાછળની વાર્તાઓ વિશે લખતો રહ્યો. એમાં પરોક્ષ રીતે ૨૦૦૭થી અક્ષરનાદ પર ટાઈપ કરવાનો અને સંપાદનનો અનુભવ પણ ખૂબ કામ લાગ્યો. ગુજરાતી ટાઈપમાં સારી એવી ઝડપ છે, વિચારોની સાથે સતત ટાઈપ કરી શકું છું એનો ભરપૂર ફાયદો થયો અને ઉપરાંત એ નવરાશના સમયમાં બીજુ કાંઈ વિઘ્ન નહોતું એટલે રોજ સાત આઠ કલાક વાંચન – વિચારવું અને લખવું એ જ પ્રવૃત્તિને આપ્યા અને આમ લેખો લખાતાં ગયા અને અથશ્રી પુસ્તક બન્યું જેને વાચકોએ અઢળક સ્નેહ આપ્યો અને હવે એનો બીજો ભાગ પણ આવી રહ્યો છે.
કોઈ એવું સપનું જે આ બ્લોગ માટે જોયું હોય અને હજી
પૂરું કરવા નું રહી ગયું હોય ?
જિજ્ઞેશ અધ્યારુ : અક્ષરનાદની મોબાઇલ એપ્લિકેશન – એન્ડ્રોઈડ અને આઇઓએસ માટે મારે અલગથી બનાવવી હતી પણ એ અત્યંત ખર્ચાળ હતું એટલે શરૂ જ ન કર્યું. ઉપરાંત કેટલીક ઇતર એપ્લિકેશન પણ અક્ષરનાદનું નામ વાપરે છે એ પણ બંધ કરાવવું છે પણ એ ક્ષેત્રમાં હજુ કાંઈ કરી શક્યો નથી. અક્ષરનાદની પહોંચ વધે અને એ અઢળક વાચકો સુધી પહોંચે એ તો કાયમનો પ્રયાસ છે જ!
નવા બ્લોગર્સ ને શું શિખામણ આપશો ?
જિજ્ઞેશ અધ્યારુ : અચાનક કશું થતું નથી, તરત કંઈ મળતું નથી, ન પૈસો કે ન નામ. એ માટે સતત અને અથાગ મહેનત જોઈશે. બ્લોગિંગ કોઈ અલગ ક્ષેત્ર નથી, એમાં પણ આ નિયમો લાગૂ પડે જ છે. સાતત્ય બ્લોગની પ્રથમ જરૂરત છે. ગુણવત્તાસભર અને વાચકોને ઉપયોગી એવા કન્ટેન્ટ સિવાય બ્લોગ વિકસશે નહીં, તો ગેરમાર્ગે દોરી જતી હેડલાઇન અને કોઈ સત્વ વગરનું કન્ટેન્ટ બ્લોગને શરૂ થતાં પહેલા જ બંધ કરાવી દેશે. એટલે નવા બ્લોગર્સે પોતાનું વાંચન અને જે તે ક્ષેત્ર વિશેની પોતાની જાણકારી સતત વધારતા રહી, સતત અપડેટ થતાં રહી લેખન કરતાં રહેવું. સત્વશીલ લેખનને વાચકો અને જાહેરાત કરનારાઓ આપોઆપ મળી રહેશે એવું મારું માનવું છે
Gujarati blog
, Gujarati blogger , Gujarati short story , Gujarati blogs
Comments
Post a Comment